ખજૂર પૌષ્ટિક તથા ગુણકારી છે ગરમ પ્રદેશમાંથી આવતું ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. ખજૂર સૂકાઈ જતાં ખારેક બને. શુભ કાર્યોમાં ખારેક વહેંચવામાં આવે છે.
ખજૂર સ્વાદે તૂરાશ પડતું મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સ્વભાવે ચીકાશવાળું, વાતકર તથા કફ- પિત્તનાશક છે. તે હ્રદ્ય, બળપ્રદ, વીર્યવર્ધક, ક્ષયનાશક અને રક્તપિત્તશામક છે. તે પૌષ્ટિક, તૃપ્તિકર, રોચક અને પથ્ય છે. તે દાહ, ક્ષય, ઘા પડ્યો હોય તેમાં, છાતીમાં ક્ષત હોય તેમાં, ઊલટી, તાવ, ઝાડા, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મૂર્છા, થાક વગેરેમાં સારો છે. ખજૂર પચવામાં ભારે છે અને અગ્નિમાંદ્ય કરે છે તેથી તેનો સપ્રમાણ ઉપયોગ કરવો જોઈએ.
ખૂજરને ખૂબ સાફ કરી ઠળિયા કાઢીને ઉપયોગમાં? લેવાં. તે દૂધમાં ઉકાળીને કે ઘીમાં સાંતળીને ખાવાથી તે વધુ ગુણકારી બને છે. બાળકો, વૃદ્ધો, અશક્તો અને દુર્બળો માટે ખજૂર સારાં છે. ખજૂરનું સપ્રમાણ રોજ સેવન કરવાથી લાભ થાય છે. તે નુકસાન કરતું નથી.
ખજૂરનો ઠળિયો તૃષાશામક છે. તેને મોંમાં રાખી ચગળવાથી તરસ લાગતી નથી. મોંમાં અમી રહે છે. બહેનોને દુર્બળતા અને માનસિક અશાંતિથી હિસ્ટીરીયા આવતો હોય તો ખજૂરનું સેવન હિતાવહ છે. ખજૂર ઠંડું હોઈ વહેતા લોહીને અટકાવે છે. તેથી શરીરના ગમે તે ભાગમાંથી લોહી પડે તો દૂધ સાથે ખજૂર આપવું.