પરિચય :
ગુજરાત તથા ઉષ્ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં નાના અનેક ફળ આવે છે. તેનો સ્વાદ આમળા જેવો હોય છે. તેની પર નર – માદા બંને ફૂલ થાય છે. ચોમાસામાં ફૂલ લીલા કે સફેદ રંગના હોય છે. તેની ૩ જાતો થાય છે. સફેદ ફૂલવાળી, લાલ ફૂલવાળી અને મોટી ભોંય આમલી.
ગુણધર્મો :
ભોંય આમલી રસમાં મધુર પણ પાછળથી કડવી, તૂરી, ખાટી, હળવી, રૂચીકર, શીતવીર્ય, પિત્ત તથા કફનાશક, રક્તશુદ્ધકર્તા, દાહશામક અને મૂત્રલ છે. તે નેત્રરોગ, વ્રણ, શૂલ, પ્રમેહ, મૂત્રાલ્પતા, મૂત્રકષ્ટ, તૃષા, ખાંસી, પાંડુ, ક્ષત, વિષ, નેત્રદાહ, ચળ, રક્તપ્રદર, હેડકી અને શ્વાસ મટાડે છે. તે વાયુકર્તા પણ લીવરના દર્દો મટાડનાર, અગ્નિવર્ધક અને આમના ઝાડા મટાડે છે. તે તરિયો તાવ તથા કમળો, જળોદર અને આંખની પીડા મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) હેડકી-શ્વાસ : ભોંય આમલીનું મૂળ પાણીમાં ઘસી તેમાં જરા સાકર નાંખી તે પ્રવાહીનું નાકમાં નસ્ય લેવાથી શ્વાસ તથા હેડકી મટે.
(૨) લોહીવા (રક્તપ્રદર) : ભોંય આમલીના બીજનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે થોડા દિવસ લેવાથી રક્તપ્રદર અને ગરમીના દર્દ મટે.
(૩) લીવર-બરોળના દર્દો-વિષમજ્વર, કમળો : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી રોજ પીવો.
(૪) સંગ્રહણી (સંઘરણી) : ભોંય આમલીના નાના છોડનો ઉકાળો કરી સૂંઠ અને જીરું ઉમેરી પીવાથી લાભ થશે.
(૫) વ્રણ-સોજા : ભોંય આમલીના મૂળ અને પાનના ચૂર્ણમાં ચોખાનું ધોવાણ નાંખી, તેની પોટીસ કે લેપ કરી લગાવવું.
(૬) કમળો : ભોંય આમલીના તાજામૂળ ૧૦ ગ્રામ લઈ કચરી (ખાંડી) ૧ પ્યાલા દૂધમાં ઉકાળી રોજ પીવું. અથવા ભોંય આમલીના પાનનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ પાણીમાં લેવું.
(૭) જલોદર : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી, રોજ પીવાથી પેશાબમાં વધારો થઈ જળોદર મટે છે.
(૮) પેશાબની અલ્પતા કે અટકાયત : ભૂમિ આમળાના પાનનો ૨૦ ગ્રામ રસમાં ૨ ચમચી ઘી અને સાકર ૧ ચમચી ઉમેરી પીવાથી મૂત્રદાહ, મૂત્રની અલ્પતા કે થોડું મૂત્ર કષ્ટથી ઊતરવાની પીડા શમે છે. પેશાબ ખૂબ છૂટથી આવે છે.
(૯) કિડની ફેઈલ – મૂત્ર ન બનવું કે મૂત્રનાશ : ભોંય આમલી, ગોખરું અને શેરડીના મૂળનો ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. (શેરડીના મૂળ ન મળે તો બાકીની બે દવા લેવી.)