પીપળો (બ્રહ્મપીપળો)

પરિચય :

ગુજરાત અને ભારતમાં પીપળા (અશ્વત્થ, પીપલ પેડ)ના વૃક્ષને પ્રાયઃ બધા લોકો સારી રીતે ઓળખે છે. તેના ખૂબ ઊંચા અને વિશાળ ઘેરાવામાં થતાં ઝાડ ગામ, નગર, જંગલ, વેરાનમાં સર્વત્ર થાય છે. માર્ગો પર છાંયો કરવા તે રસ્તાની બંને બાજુએ વવાય છે. હિંદુઓ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્‍ણુ તથા પિતૃદેવોનો વાસ માની તેની પૂજા કરે છે. હિંદુ મંદિરોના પ્રાંગણમાં પીપળો ખાસ હોય છે. તેના પાન ૪ થી ૭ ઈંચ લાંબા, ૩ થી ૪ ઈંચ પહોળા, હ્રદયાકારના, ઉપર જતાં સાંકડા ને અણીદાર અને ઉપરથી ચળકતા-લીસ્સા હોય છે. તેની પર ચણીબોરથી જરા મોટા, નાના ગોળ ફળ (પેપડી) બેસે છે. જે કાચા હોય ત્યારે લીલા અને પાકા થયે જાંબુડિયા રંગના થાય છે. આ ફળ મીઠા હોય છે. ઝાડનું પાન કે દાંડી તોડતાં તેમાં દૂધ જેવો પદાર્થ નીકળે છે.

ગુણધર્મો :

પીપળો મધુર-તૂરો, કડવો, ઠંડો, પચવામાં ભારે, લૂખો, રંગ ઉઘાડનાર, યોનિશુદ્ધ કર્તા તેમજ પિત્ત, કફ, વ્રણ (જખમ) અને લોહી વિકારોને મટાડે છે. એના પાકા ફળ (પેપડી) શીતળ અને હ્રદયને હિતકર, સારક, આક્ષેપ (આંચકી)નાશક, શીતવીર્ય, રક્તશોધક અને પિત્તવિકાર, ઝેર, તરસ, દાહ, ઉલટી, સોજો અને અરૂચિ મટાડે છે. પીપળાની લાખ કડવી, તૂરી, હળવી, સ્નિગ્ધ, બળવર્ધક, અસ્થિભંગ (ફ્રેકચર)ને સાંધનાર, વર્ણપ્રદ, શીતળ અને કફ-પિત્ત, શોષ, હેડકી, તાવ, કૃમિ, ત્વચા રોગ મટાડે છે. તેની છાલ સંકોચક અને રક્તસ્તંભક છે.

ઔષધિ પ્રયોગ :

(૧) ગરમીની ચાંદી : પીપળાના સૂકી છાલને બાળી, રાખ બનાવી ચાળી લો. તે ચાંદી પર કોરી ભૂકી રૂપે વારંવાર ભભરાવવી.

(૨) બાળકોની વાચા શુદ્ધ થવા (બોબડાટ) : પીપળાના પાકેલા ફળ રોજ ખાવા દેવા.

(૩) હેડકી-ઉલટી : પીપળાની સૂકી ડાળની રાખ પાણીમાં ભીંજવી, થોડીવાર પછી તે પાણી કપડેથી ગાળી પાવું.

(૪) મુખની ચાંદી – મુખપાક : પીપળના પાન તથા છાલનું બારીક ચૂર્ણ કરી, મધમાં કાલવી દિનમાં ૨-૩ વાર મુખમાં લગાવવું.

(૫) દાઝી જવું : પીપળાના સૂકા છોડિયાનું બારીક ચૂર્ણ ઘીમાં કાલવી દાઝ્યા પર ચોપડવું.

(૬) ટી. બી. (ક્ષય) : પીપળાની લાખનું ચૂર્ણ ઘી અને મધ સાથે લેવું.

(૭) પ્રદર- લોહીવા : પીપળાની લાખનું ચૂર્ણ ૫ ગ્રામ લઈ, છાશના પાણીમાં ઉકાળી, તેમાં સાકર મેળવી પાવી.

(૮) સૂકી ખાંસી : પીપળાનું ચૂર્ણ ૧ ગ્રામ મલાઈ કે ઘી-સાકર સાથે દિનમાં ત્રણ વાર લેવી.

(૯) આર્તવ તથા ગર્ભાશય શુદ્ધિ : પીપળાના ફળનું ચૂર્ણ સાકરવાળા દૂધ અથવા ઘી સાથે કે મધ સાથે માસિકના ૩ દિન બાદ ૧૦ દિન રોજ ચટાડવું.

(૧૦) વાતરક્ત (ગાઉટ – સાંધામાં ઢીમણાં) : પીપળાની ૨૦ ગ્રામ છાલનો ઉકાળો કરી ગાળીને ઠંડો થયા પછી મધ કે દિવેલ નાંખી ૨ -૩ માસ પીવો.

(૧૧) બાળકની તાણ આંચકી : પીપળાની વડવાઈ (જટા) ૨ રતી જેટલી દર અર્ધા કલાકે વાટીને તેમાં ચપટી વજ કે કેસર ઘુંટને મધ સાથે વારંવાર પાવું.

error: Content is protected !!