ચંદન સુખડ તરીકે પણ ઓળખાય છે. તેનું લાકડું સુગંધી હોય છે. તેને ઓરસિયા ઉપર ઘસીને ઘસારાનો શરીરે લેપ કરાય છે, કપાળે તિલક કે ત્રિપુંડ કરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. ચંદનનો રસ કડવો અને સહેજ મીઠો હોય છે. તેની તાસીર ઠંડી છે. તે હલકું, લૂખું, કફ- પિત્તશામક, દાહપ્રશમક, દુર્ગંધહર અને રંગ સુધારનાર છે. તે ચામડીના રોગ, મગજની નબળાઈ, પેટના કૃમિ, ઝાડા, હ્રદયની વિકૃતિ, પેશાબના રોગ અને જાતીય નબળાઈમાં ઉપયોગી છે.
સુખડના ચૂર્ણ, તેનો ઘસારો (લેપ) અને તેલનો ઔષધીય ઉપયોગ થાય છે.
તેલ મોં ઉપર ઘસવાથી ખીલના ડાઘ, ખીલના ખાડા અને કાળા ડાઘ ઓછા થાય છે. પેશાબની બળતરામાં તેનું તેલ દૂધ કે પતાસામાં લેવું. બાળકની ડૂંટી પાકતી હોય તો સુખડના તેલનાં પોતાં મૂકવા. બળતરા અને ચામડીના રોગમાં સુખડનો લેપ કરવો. બહુ પરસેવો વળતો હોય, તે વાસ મારતો હોય તો સુખડનો લેપ કરવો અને તેનું ચૂર્ણ ફાકવું. લોહીવા, દૂઝતા હરસ, રક્તપિત્ત અને રક્તાતિસારમાં સુખડનું ચૂર્ણ દૂધમાં લેવું.