કોળા બે પ્રકારના છે – રાતું અને ભૂરું. રાતું શાકમાં, ભૂરું ઔષધમાં અને પાકમાં વધુ વપરાય. બંનેનું શાક થઈ શકે. કોળા પાકેલાં ખાવા જ સારા.
પાકેલ કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, ગુણમાં પચવામાં હલકું, ચીકણું, અગ્નિદીપક, મળ સાફ લાવનાર, વાત-પિત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. તે ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મૂત્રપિંડ સાફ રાખનાર, હ્રદયને માટે હિતકર, સર્વ દોષનાશક છે. તે પ્રમેહ, પેશાબના રોગો, પથરી, હરસ, લોહી બગાડ, વાયુ અને પિત્તના રોગોમાં સારું છે. ગાંડપણ અને માનસિક રોગમાં ઉત્તમ છે, બુદ્ધિવર્ધક છે.
ગુજરાતી લોકો તેનો ઓછો ઉપયોગ કરે છે, પણ તેને શાક તરીકે અપનાવવું જોઈએ. ગરીબો માટે તો તે ખૂબ પોષક પુરવાર થયેલ છે. તે લોહીની ઓછપ, અશક્તિ, દુર્બળતા મટાડી શરીરને તાકાતવાન બનાવે છે. ગામડાના લોકો પોતાને ઘેર તેનો વેલો ઉગાડી શકે અને બારેમાસ કોળાનો લાભ મેળવી શકે.
દારૂના નશાને ઉતારવા કોળાનો રસ પીવો.
બહેનોએ પ્રદરરોગ અને લોહીવામાં કોળાનો પાક ખાવો.
તેના બી વાટીને લેવાથી જુલાબ થાય છે અને ગોળ કૃમિ નાશ પામે છે.
અમ્લપિત્ત, ગાંડપણ, દૂઝતા હરસ, છાતીમાંથી લોહી પડવું વગેરેમાં કોળાનો રસ કે પાક ખાવો ખૂબ હિતકર છે.
કમળામાં કોળાના પાનનો રસ હળદર મેળવીને લેવો.