*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે.
*છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે.
*છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે.
*ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને મટાડે છે. લસ્સી ગરમીની ઋતુમાં શરબતની ગરજ સારે છે.
*છાશમાં ખટાશ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાકની રુચિ પેદા કરે છે અને ખોરાક પાચન કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન થતું ન હોય, ખોટા ઓડકાર આવતા હોય અને પેટ ચઢી-આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય તેમને માટે છાશ અમૃત સમાન છે.
*છાશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે. તેથી ભોજન પછી છાશ પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
*કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઉપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્રદયની નબળાઈ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે. છાશ શરીરનો વર્ણ (વાન) અને કાંતિ સુધારે છે. છાશ પીનારને વૃદ્ધાવસ્થા મોડી આવે છે, ચહેરા પર કરચલીઓ પડતી નથી અને પડી હોય તો દૂર થાય છે.
*છાશનો મહત્વનો ગુણ આમજ દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાકમાંથી પોષણ માટેનો રસ છૂટો પડી પચ્યા સિવાય પડ્યો રહે છે તેને \’આમ\’ કહે છે. આમ અનેક પ્રકારનાં દરદો પેદા કરે છે. એ આમજ દોષો દૂર કરવામાં છાશ ઘણી ઉપયોગી બને છે. આમની ચીકાશને તોડવા માટે ખટાશ (ઍસિડ) જોઈએ. તે ખટાશ છાશ પૂરી પાડે છે. અને છાશ ધીમેધીમે એ ચીકાશને આંતરડાંમાંથી છૂટી પાડી, પકવીને બહાર ધકેલી દે છે, માટે જ મરડામાં ઇંદ્રજવના ચૂર્ણ સાથે અને અર્શમાં હરડેના ચૂર્ણ સાથે છાશ લેવાથી ફાયદો થાય છે.
*દહીંમાં બિલકુલ પાણી નાખ્યા સિવાય વલોવાય તેને \’ઘોળવું\’ કહે છે : ઘોળવું વાયુને મટાડે છે, પણ કફને વધારે છે. હિંગ, જીરું અને સિંધવ મેળવેલું ઘોળવું વાયુનો સંપૂર્ણ નાશ કરનાર, રુચિ વધારનાર, બળ વધારનાર છે. સાકર મેળવેલા ઘોળવાના ગુણો આંબાની કેરીના રસના જેવા છે.
*દહીં ઉપરનો ચીકાશવાળો ભાગ (મલાઈ-તર) કાઢી લઈને વલોવાય તેને \’મથિત\’ (મઠો) કહે છે : મઠો વાયુ તથા પિત્તને હરનાર, આનંદ (ઉલ્લાસ) ઉપજાવનાર અને કફ તથા પિત્તને તોડનાર છે.
*દહીંમાં ચોથા ભાગનું પાણી મેળવી વલોવાય તેને \’તક્ર\’ કહે છે : તક્ર ઝાડાને રોકનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, તૃપ્તિ આપનાર, વાયોનો નાશ કરનાર છે.
*દહીંમાં અર્ધા ભાગે પાણી મેળવી વલોવાય તેને \’ઉદશ્ચિત\’ કહે છે : ઉદશ્ચિત કફ કરનાર, બળને વધારનાર અને આમનો નાશ કરનાર છે.
*દહીંમાં વધારે પાણી મેળવી વલોવાય અને ઉપરથી માખણ ઉતારી લઈ, પછી પાણી મેળવી ખૂબ આછી (પાતળી) કરવામાં આવે છે તેને \’છાશ\’ કહે છે. ટૂંકમાં, જેમાંથી સધળું માખણ ઉતારી લીધું હોય તેવી છાશ પથ્ય અને હલકી છે.
*મીઠું નાખેલી છાશ અગ્નિને પ્રદિપ્ત કરનારી બને છે. છાશ ઝેરને, ઊલટીને, લાળના ઝરવાને, વિષમજ્વરને, પાંડુરોગને, મેદને, અર્શને, મૂત્રકૃચ્છ્રને, ભગંદરને, પ્રમેહને, તૃષાને અને કૃમિઓને મટાડે છે.
*વાયુરોગ પર ખાટી, સૂંઠ તથા સિંધવ નાખેલી છાશ, પિત્ત પર સાકર નાખેલી ગળી છાશ અને કફની વૃદ્ધિ પર સૂંઠ, મરી અને પીપર નાખેલી છાશ ઉત્તમ છે. શીતકાળમાં, અગ્નિમાંદ્યમાં, વાયુના દરદોમાં, અરુચિમાં, રસવાહીનાડીઓનો અવરોધ (અટકાવ) થયો હોય ત્યારે છાશ અમૃત જેવું કાર્ય કરે છે.
*ગાયની તાજી મોળી છાશ પીવાથી રક્તવાહિનીઓમાંનું લોહી શુદ્ધ થી રસ, બળ અને પુષ્ટિ વધે છે તેમ જ શરીરનો વર્ણ સારો થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા વાત અને કફના સેંકડો રોગો નાશ પામે છે.
*સૂંઠ, મરી, પીપર અને સિંધવ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી, છાશમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે.
*છાશમાં સિંધવ અને મરીનું ચૂર્ણ નાખીને પીવાથી પણ અજીર્ણ મટે છે. છાશમાં પંચકોલ (પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક અને સૂંઠ)નું ચૂર્ણ મેળવી પીવાથી જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય તો તે મટે છે.
*છાશમાં ચિત્રક મૂળનું ચૂર્ણ નાખીને પીવાથી પાંડુરોગમાં ફાયદો થાય છે.
*તાજી છાશમાં બીલીનો ગરભ મેળવીને પીવાથી રક્તાતિસાર, પ્રવાહિકા (મરડો) અને અતિસાર (ઝાડા) મટે છે.
*દહીંના ઘોળવામાં હિંગ, જીરું તથા સિંધવ નાખીને પીવાથી અતિસાર, હરસ અને પેઢુંનું શૂળ મટે છે.
*છાશમાં ઇંદ્રજવનું ચૂર્ણ નાખીને પીવાથી રક્તાર્શ(દૂઝતા મસા-હરસ)માં ફાયદો થાય છે.
*છાશમાં વાવડિંગનું ચૂર્ણ નાખીને પીવાથી નાનાં બાળકોનો કૃમિરોગ મટે છે.
ગાયની છાશમાં કપડું ભીંજવી રોગીને તે કપડાનો સ્પર્શ કરાવતા રહેવાથી રોગીનો દાહ (બળતરા) મટે છે.?
*છાશમાં કુંવાડિયાનાં બી વાટીને દાદર પર ચોપડવાથી દાદર મટે છે.
*છાશ વડે ચહેરો ધોવાથી મોં પરની કાળાશ, ખીલના ડાઘ અને ચીકાશ દૂર થાય છે. અને ચહેરો તેજસ્વી તથા આકર્ષક બને છે.
*ઉનાળામાં, ક્ષતવાળાએ, દૂબળાએ, મૂર્ચ્છા, ભ્રમ અને રક્તપિત્તના રોગીઓએ છાશ કદી પણ ન લેવી જોઈએ, વાગવાથી જખમ થયો હોય, સોજો ચઢ્યો હોય, શરીર સુકાઈને દુર્બળ થયું હોય; મૂર્છા, ભ્રમ કે તૃષારોગ થયો હોય તેવાઓ જો છાશનું કરે તો બીજા ઘણા રોગો થવાનો સંભવ રહે છે.
*વૈજ્ઞાનિક મત પ્રમાણે છાશમાં વિટામિન \’સી\’ હોવાથી શરીરની રોગપ્રતિકારક્ષમતા વધે છે તથા ત્વચાનું આરોગ્ય અને સૌંદર્ય જળવાઈ રહે છે.
*છાશમાં લૅક્ટિક ઍસિડ હોવાથી પાચનતંત્રના રોગોમાં એ લાભદાયક બને છે. વળી છાશમાં પ્રોટીન, લોહ ઇત્યાદી તત્વો હોવાથી એ અપોષણથી થનારા વિકારોમાં ઉપયોગી બને છે.