Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
સૂકામેવાઃ બદામ - Raviya Fitness

સૂકામેવાઃ બદામ

આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે.

ગુણધર્મો :-

બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે બદામની ઉપજ અમેરિકાના કેલિફોર્નિયામાં લેવાય છે. ભારતમાં પણ પંજાબ, કાશ્મીર તથા દક્ષિ‍ણ-પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં બદામ થાય છે. પરંતુ આ બદામ થોડી ઉતરતી ગુણવત્તાની હોય છે.

આયુર્વેદ પ્રમાણે બદામ સ્વાદમાં મધુર, ગરમ, પચવામાં ભારે, ભૂખ લગાડનાર કફ તથા પિત્તવર્ધક, મૂત્રનું પ્રમાણ વધારનાર, ધાવણ વધારનાર, વાયુનાશક, વાજીકરણ તથા બળ વીર્યવર્ધક છે. તે મગજની નબળાઈ, કબજીયાત, વાયુના રોગો, મૂત્રનળીનો સોજો, સફેદ પાણી પડવું અને માસિકની તકલીફો મટાડનાર છે.

રાસાયણિક વિશ્લેષણ કરતાં બદામમાંથી ૫૬ટકા સ્થિર તેલ, એક અમલ્શિન નામનું કિણ્વત, ૩ટકા ચીકણું દ્રવ્ય, ૨૫ ટકા પ્રોટીડ્સ તથા ૩ થી ૫ ટકા ક્ષાર મળી આવે છે.

ઉપયોગ :-

આજના ‍અતિ આધુનિક યુગમાં માનસિક શ્રમ કરનારાઓનું પ્રમાણ ઘણું વધ્યું છે. બદામનું સેવન એમના માટે બ્રેનટોનિક જેવું લાભદાયક છે. માનસિક શ્રમને લીધે જેમના જ્ઞાનતંતુઓ થાકી જતા હોય, કામના બોજને લઈને મન હંમેશા વ્યાકુળતા અનુભવતું હોય, યાદશક્તિમાં મંદતા અનુભવાતી હોય તેમના માટે બદામનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક છે. પોતાની પાચનશક્તિનો વિચાર કરીને રોજ રાત્રે ચારથી છ બદામ પાણીમાં પલાળી રાખવી. સવારે તેનાં ફોતરાં કાઢીને, ખૂબ વાટીને એક કપ દૂધમાં મેળવીને એ દૂધ પી જવું. આયુર્વેદ પ્રમાણે જ્ઞાનતંતુઓની સ્વસ્થતા વાયુને આધીન રહે છે. બદામના સેવનથી વાયુ સ્વસ્થ રહે છે અને સ્વસ્થ વાયુ જ્ઞાનતંતુઓને પણ તંદુરસ્ત રાખે છે.

એક પછી એક ઘણી સુવાવડો કસુવાવડોને લીધે કે અતિશય કામના બોજાને લીધે જે સ્ત્રીઓનું શરીર ઘસાતું જતું હોય તેમના માટે બદામ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. શારીરિક દુર્બળતાની હમેશાં ફરિયાદ રહેતી હોય અને ચહેરો ફિક્કો – નૂર વગરનો થઈ ગયો હોય તેવી સ્ત્રીઓએ ઉપર સૂચવ્યા અનુસાર બદામને દૂધમાં મેળવીને રોજ તેનું સેવન કરવું જોઈએ. બાળકો જો બરાબર દૂધ ન પીતા હોય તો એમને થોડી બદામ પાણીમાં લસોટી એમાં સાકર મેળવીને આપવી. બદામનો પાણીમાં બનાવેલો આ ઘસારો દૂધ જેટલું જ પોષણ આપે છે. વાયુને લીધે થતા કમરના દુખાવામાં બદામ (વાયુનાશક હોવાથી) અકસીર છે. કમરનો દુખાવો થવો એ આજે ઘર ઘરની ફરિયાદ છે. જેમને અનુકૂળ આવે તેમણે આ દુખાવામાં બદામના દૂધનો ઉપર્યુક્ત ઉપચાર પ્રયોગ કરવો.

આયુર્વેદમાં બદામને ગરમ કહી છે. એટલે જેમની પ્રકૃતિ પિત્તની હોય કે ગરમ દ્રવ્યો માફક ન આવતાં હોય તેમણે લાંબા સમય સુધી બદામનું સેવન ન કરવું.

error: Content is protected !!