વાવડિંગ

પરિચય :

વાવડિંગથી આપણે સૌ સારી પેઠે વાફેક છીએ. ભલે એ મસાલાની ચીજ નથી; પરંતુ, ઘરઘરમાં તેનો ઉપયોગ થાય છે. તે અવારનવાર ઉપયોગમાં આવનારી અતિ નિર્દોષ અને ગુણકારી વસ્‍તુ છે. મોટા મોટા વૈદ્યો અને બધા જ ઔષધશાસ્‍ત્રજ્ઞો એને આવકારે છે. બાળરોગ-ચિકિત્‍સકોએ પણ એને યોગ્‍ય સ્‍થાન આપ્‍યું છે. વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. આજકાલનાં ખાનપાન આરોગ્‍યલક્ષી નથી. તેમાંય બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. પરિણામે કૃમિની તકલીફ થાય. એ જ પ્રકારનું ખાવાનું ચાલ્‍યા કરતું હોઇ કૃમિને પોષણ પણ મળતું રહે છે. આ કારણે બાળક દૂબળું જ રહે છે.

વાવડિંગ મોટાંઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને પેશાબની તકલીફમાં તે ખૂબ જ ઉપયોગી છે; દર્દીઓને નવજીવન આપવામાં પણ તે સારો ભાગ ભજવે છે. એ લેવાથી પેશાબનો રંગ લાલ થઇ જાય છે એ ખરું; પરંતુ તે નુકસાનકર્તા નથી. દૂધની સાથે લેવાથી એ તકલીફ ઓછી રહે છે. જગતના બધા વૈદ્યો, હકીમો, હોમિયોપેથ અને એલોપેથ ડોકટરો સુધ્‍ધાં એની પ્રશંસા કરે છે. એની માત્રા મોટાંઓ માટે એક ચમચો અને નાનાંઓ માટે એક ચમચી છે. (દિવસમાં બે વખત : સવારે અને રાતે).

ગુણધર્મ :

વાવડિંગનો સ્‍વાદ ઉત્તમ અને કસેલો છે, તે ખુશ્‍બોદાર હોય છે. વાવડિંગ તીખાં, ઉષ્‍ણ, લઘુ, કડવાં, દીપન તથા રુચિકર છે. તે કફ, વાયુ અને અગ્નિમાંદ્યમાં ગુણકારી અને રુચિકર છે. એ કૃમિ, શૂળ, આદ્યમાન, ઉદરરોગ, ગુલ્‍મ, બરોળ, અજીર્ણ, ઉધરસ, હ્રદયરોગ, આમ, ત્રિદોષ, મેદ અને પ્રમેહ (બધા પ્રકાર) નો નાશ કરે છે.

તે ઉપરાંત મલાવષ્‍ટંભક, કોઢનાશક, દમનાશક અને ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે. તે પેટની તકલીફો મટાડે છે અને પાચનશકિત વધારે છે.

ઉપયોગ :

(૧) કૃમિ ઉપર : વાવડિંગનો કાઢો ગોળ સાથે આપવો.

(૨) બાળક નીરોગી રહે તે માટે : એક વાવડિંગનું ચૂર્ણ મધમાં ચટાડવું.

(૩) અરુચિ આવતા હોય તો : વાવડિંગનું ચૂર્ણ મધમાં ભેળવીને મુખમાં રાખી ધીરે ધીરે ગળવું.

(૪) ચક્કર આવતા હોય તો : વાવડિંગની માળા બનાવી કાન ઉપર બાંધવી.

(૫) બાળકને ઉધરસ અને શ્ર્વાસ ઉપર : વાવડિંગનું ચૂર્ણ મધમાં આપવું.

(૬) હ્રદયરોગ ઉપર : વાવડિંગ અને કોલિંજનનું ચૂર્ણ ગોમૂત્રમાં આપવું.

(૭) મળશુદ્ઘિ માટે : વાવડિંગ અને અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.

(૮) નાનાં બાળકોને વાવડિંગનું ચૂર્ણ દિવસમાં બે વખત આપવાથી વાયુની તકલીફ ઓછી થાય છે.

(૯) જીવનમાં વૃદ્ઘાવસ્‍થાની અસર ઓછી થાય તે માટે : વાવડિંગ અને જેઠીમધનું ચૂર્ણ સવારે અને રાતે લેવું.

(૧૦) પેટમાંના કૃમિ કાઢવા માટે : વાવડિંગનું ચૂર્ણ પાણી સાથે લેવું.

(૧૧) પિત્તને કારણે શરીર પર નાની નાની ફોડલીઓ થઇ આવે તો વાવડિંગનું ચૂર્ણ પાણીમાં લેવું.

(૧૨) ઝાડો જલદી ન ઊતરતો હોય તો : વાવડિંગનું ચૂર્ણ લીંબુ સાથે લેવું.

(૧૩) પાચનશકિત વધારવા માટે : વાવડિંગનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું.

error: Content is protected !!